ઉજ્જૈન નગરીના વિક્રમરાજા ના પુરોહિતને મુકુંદ નામે પુત્ર હતો,તેની માતાનું નામ દેવસિકા હતું. મુકુન્દપંડિત એક દિવસ વાદ કરવા ભરૂચ જતો હતો, માર્ગમાં તેને વૃદ્ધવાદી સૂરિ મળ્યા.તેમની સાથે ગોવાળો ની સાક્ષીમાં વાદ કર્યો, તેમાં તે મુકુંદ હાર્યો.પછી સૂરિજી તેને રાજસભામાં લઇ ગયા,ત્યાં પણ વૃદ્ધવાદી સૂરિજીએ તેને ફરીથી હરાવ્યો.એટલે મુકુંદે પ્રતિજ્ઞા પ્રમાણે એ સૂરિજીનો શિષ્ય બન્યો.તે વખતે ગુરુએ તેનું નામ કુમુદચંદ્ર પડ્યું.પછી અનુક્રમે તેમને જયારે સૂરિપદ આપ્યું ત્યારે તેમનું પૂ.શ્રી સિધ્ધસેન દિવાકર નામ પાડ્યું.
એક દિવસ વાદ કરવા આવેલા એક ભટ્ટને સંભળાવવા માટે નવકારને બદલે નામોર્હત સિધ્ધાચાર્ય ઉપાધ્યાયે સર્વ સાધુભ્ય:એ પ્રમાણે ચૌદપૂર્વના પ્રારંભમાં કહેલું સંસ્કૃત વાક્ય કહ્યું.તથા એક દિવસ ગુરુને કહ્યું " આ સર્વ આગમ પ્રાકૃતમાં છે તે હું સંસ્કૃતમાં બનાવું " ત્યારે ગુરુએ કહ્યું," બાળ,સ્ત્રી,મંદબુદ્ધિવાળા અને મુર્ખ જનો કે જેઓ ચારિત્ર લેવાની ઈચ્છા વાળા હોય તેમના હિતને માટે તત્વજ્ઞાનીઓ એ સિધ્ધાંતના ગ્રંથો પ્રાકૃતમાં રચ્યા છે તે યોગ્ય છે,છતાં તમે આવો વિચાર કર્યો તેથી મોટી આશાતના કરી છે,અને તે માટે પ્રાયશ્ચિત પણ ઘણું મોટું લાગ્યું છે"એમ કહી તેમને ગચ્છ બહાર કર્યા.તે સાંભળી સંઘે એકઠા થઇ ગુરૂને વિનંતી કરીકે"આ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મોટા પ્રભાવક છે, માટે તેમને ગચ્છ બહાર રાખવા યોગ્ય નથી." આ પ્રમાણે સંઘે અતિ આગ્રહ કર્યો ત્યારે ગુરૂ શ્રી વૃદ્ધવાદી સૂરિજીએ કહ્યું કે - " જયારે તે અઢાર રાજાઓને પ્રતિબોધ કરી તેમને જૈન બનાવશે ત્યારે તે ગચ્છ માં આવવા લાયક થશે."
આ પ્રમાણે ગુરુની આજ્ઞા અંગીકાર કરી સિદ્ધસેનસૂરિ ઉજ્જૈની નગરીમાં ગયા.ત્યાં વિક્રમ રાજા અશ્વ ક્રીડા કરવા જતા હતા,રાજાએ સૂરિજીને પૂછ્યું કે તમે કોણ છો ? સૂરિજીએ જવાબ આપ્યો કે હું સર્વજ્ઞપુત્ર છું.તે સાંભળી રાજાએ તેમની પરિક્ષા કરવા માટે મનથી નમસ્કાર કર્યા, એટલે સૂરિજીએ હાથ ઉંચો કરી રાજાને ધર્મલાભની આશિષ આપી.રાજાએ પૂછ્યું કોને ધર્મલાભ આપો છો ? સૂરિજી બોલ્યા જેણે અમને મનથી નમસ્કાર કર્યા તેને અમે ધર્મલાભ આપ્યો છે.તે સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ તે સૂરિજી ને એક કરોડ સોનૈયા આપવા લાગ્યા.તે સૂરિજી એ ન લેતાં ધર્મકાર્ય માં વપરાવ્યા.
કેટલાક વર્ષ વીત્યા બાદ એક વાર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી ચાર શ્ર્લોક બનાવી રાજદ્વારે ગયા.ત્યાં તેમણે રાજાને પુછાવ્યુ કે તમને મળવા માટે એક ભિક્ષુ ચાર શ્ર્લોક હાથમાં રાખીને આવ્યો છે, તે આવે કે જાય ? રાજાએ કહેરાવ્યું કે દસ લાખ સોના મહોર અને ચૌદ હાથી હું તેમને આપું છું.હવે તેને આવવું હોય તો આવે અને જવું હોય તો જાય.પછી સૂરિજી રાજા પાસે જઈ અનુક્રમે ચાર શ્ર્લોક બોલ્યા.તે સાંભળતાં રાજાએ એકેક શ્ર્લોક બદલ એક દિશાનું રાજ્ય આપવાનો સંકલ્પ કર્યો,પરંતુ સૂરિજીએ તે નહિ લેતાં એટલુજ માગ્યું કે જયારે હું આવું ત્યારે મારો ધર્મોપદેશ સાંભળવો. રાજાએ તે વચન અંગીકાર કર્યું.
એક દિવસ તે સૂરિજી મહાકાળના મંદિરમાં જઈ શિવલિંગ પર પગ રાખી સુતા.તે જોઈ ઘણાં શિવભકતો ક્રોધ પામી તેમને ત્યાંથી ઉઠવા ઘણું કહ્યું,તોપણ તેઓ ઉઠ્યા નહિ.છેવટે રાજા પાસે ફરિયાદ પહોચી,રાજાએ સેવકોને મોકલ્યા અને બળાત્કારે પણ તેમને મંદિર માંથી કાઢી મુકવા ફરમાવ્યું.રાજસેવકો સૂરિજી પાસે પહોચ્યા અને કહેવા છતાં સૂરિજી ત્યાંથી ઉઠ્યા નહી.ત્યારે સેવકોએ તેમને ચાબુક મારવા લાગ્યા,પરંતુ ચાબુકના પ્રહાર સૂરિજીને ન લાગતાં રાજાની રાણીઓને વાગવા લાગ્યા,તેથી અંત:પુરમાં મોટો કોલાહલ થયો.તે જાણી રાજા આશ્ચર્ય પામી મહાકાળના મંદિરમાં આવ્યા,ત્યાં સૂરિજી ને ઓળખી રાજાએ કહ્યું કે આ મહાદેવ તો પૂજ્ય છે,છતાં તમે તેનાપર પગ શામાટે રાખ્યા છે ? સૂરિજી બોલ્યા કે આ મહાદેવ નથી મહાદેવ તો જુદા છે તેથી આ દેવ મારી કરેલી સ્તુતિને સહન કરી શકશે નહિ. રાજા બોલ્યા તો પણ તમે આની સ્તુતિ કરો.ત્યારે સૂરિજીએ કહ્યું ઠીક હું સ્તુતિ કરું છું.તમે સાવધાન રહી સાંભળો.એમ કહી સૂરિજી શ્રી સિદ્ધસેન દિવાકરે કલ્યાણ મંદિર સ્તોત્ર રચવા માંડ્યું તેમાં અગિયારમો શ્ર્લોક બોલ્યા ત્યારે પૃથ્વીકંપ થયો.ધુમાડો નીકળવા લાગ્યો અને પછી શિવલિંગ ફાટી તેમાંથી ધરણેન્દ્ર સહિત પાર્શ્વનાથ સ્વામી ની મહા તેજસ્વી પ્રતિમા પ્રગટ થઇ.આચાર્યે શ્રી સિદ્ધસેન સૂરિજી સ્તોત્ર સંપૂર્ણ કરી રાજાને કહ્યું કે ભદ્રા શેઠાણીનો પુત્ર અવંતિ સુકુમાલ અનસન કરી,કાર્યોત્સર્ગ માં રહી,કાળ કરી નલિનીગુલ્મ વિમાનમાં ગયો છે.તે સ્થાને તેની યાદગીરી માટે તેમના પુત્રે મહાકાલ નામનું આ નવીન ચૈત્ય બંધાવી તેમાં પાર્શ્વપ્રભુની પ્રતિમા ભરાવી સ્થાપન કરી. કેટલેક કાળે મિથ્યા દ્રષ્ટીઓએ તેના પર શિવલિંગ સ્થાપીને પ્રતિમા ઢાંકી દીધી.તે મારી સ્તુતિ થી પ્રગટ થઇ છે.
રાજાએ હર્ષ પામી મંદિરના ખર્ચ માટે સો ગામ આપ્યા અને પોતે સમ્યક્ત્વ અંગીકાર કર્યું.ત્યાર પછી શ્રી સિદ્ધસેન સૂરિજીએ વિક્રમ રાજાના બીજા અઢાર અનુયાયી રાજાઓને પ્રતિબોધ કરી સમ્યક્ત્વ ધારી કર્યા.તેમના ગુણથી રંજીત થઇ વિક્રમ રાજાએ સૂરિજીને બેસવા સુખાસન આપ્યું તે બેસીને સૂરિજી હમેશાં રાજસભામાં જવા લાગ્યા,આ વાત ગુરૂ શ્રી વૃધ્ધવાદી સૂરિજી ના સાંભળવામાં આવી,તેથી તેઓને પ્રતિબોધ પમાડવા માટે ગુરુશ્રી વૃદ્ધવાદીજી ઉજ્જયિની નગરીમાં આવ્યા.
આચાર્ય શ્રી વૃદ્ધવાદી ગુરૂને ઉજ્જૈન આવ્યા પછી શ્રી સિદ્ધસેન સૂરિજી નિરંતર અતિ વ્યવસાયમાં રહેતા હોવાથી તેમની પાસે જવાનો અવસર મળ્યો નહી.ત્યારે તે ગુરુદેવ ભોઈ (ડોળી ઉપાડનાર)નું રૂપ ધારણ કરી ઉપાશ્રય પાસે ઉભા રહ્યા.પછી જયારે શ્રી સિદ્ધસેનસૂરિ સુખાસનમાં બેસી રાજદ્વારે જવા નીકળ્યા ત્યારે વૃદ્ધવાદીએ એક ભોઈને ઠેકાણે રહી પાલખી ઉપાડી;પરંતુ પોતે અતિ વૃદ્ધ હોવાથી ધીમે ધીમે ચાલતાં હતા.તે જોઈ સિદ્ધસેન બોલ્યા કે " ભૂરિ ભાર ભરાકાન્ત: સ્કંધ: કિ તવ બાધિત ? " (મતલબ હે વૃદ્ધ ! ઘણાં ભારના સમુહથી દબાયેલો તારો સ્કંધ શું તને બાધા પમાડે છે ?) અહી બાધતે એવું આત્મને પદનું રૂપ બોલવું જોઈએ તેને બદલે બાધિત એવું પરસ્મૈપદનું અશુદ્ધ રૂપ શ્રી સિદ્ધસેન બોલ્યા.તેને ઉદ્દેશી શ્રી વૃદ્ધવાદી બોલ્યા " ન તથા બાધતે સ્કંધો યથા બાધતિ બાધતે " ( હે સૂરિ ! તમે વાપરેલો બાધિત પ્રયોગ જેવો બાધા -પીડા કરે છે તેવો મારો આ સ્કંધ મને પીડા નથી કરતો.) તે સાંભળી પોતાની ભૂલ જાણી સિદ્ધસેન ચમત્કાર પામ્યા.ભૂલ કાઢનાર પોતાના ગુરૂ જ છે એમ જાણી તરત જ તેઓ પાલખી માંથી નીચે ઉતર્યા અને ગુરુના પગમાં પડ્યા.ગુરુએ તેમને પ્રતિબોધ પમાડી ગચ્છમાં લીધા.
આચાર્ય સિદ્ધસેન દિવાકર સૂરિજી મહાકવિ થયા છે. ત્યાર પછી તેમના જેવા બીજા કોઈ કવિ થયા નથી.
About Author
Umang Shah
Umang Shah
If you like this blog Please Like it,Plus it and Tweet It.
GREAT UMANGBHAI... I WILL COPY IT....
ReplyDelete